Thursday, October 9, 2008

ડૉ. આઈ. કે. વીજળીવાળા સાથે મુલાકાત

બપોરનો એક વાગ્યાનો સમય છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારના ચાર રસ્તા પાસે ઑટોરિક્ષામાંથી ઊતરતા મેં જોયું તો સામે જ ‘ડૉક્ટર્સ હાઉસ’ લખેલી મોટી ઈમારત નજરે પડી. આંખ, કાન, નાક, ગળા તેમજ વિવિધ રોગોના નિષ્ણાત ડૉક્ટરોના દવાખાના એક જગ્યાએ ભેગાં હોવાથી, બપોર હોવા છતાં આખું પરિસર માણસોની અવરજવર અને કોલાહલથી ધમધમી રહ્યું હતું. નાના-મોટાં અનેક દવાખાનાઓના નામ વાંચતા વાંચતા હું જેની શોધમાં હતો તે નાનકડું પાટિયું આખરે મારી નજરે ચડ્યું. તેમાં લખ્યું હતું : ‘ડૉ. આઈ. કે. વીજળીવાળા : બાળરોગ નિષ્ણાત – બીજે માળે. …. અને મેં ઉત્સાહથી પગની ગતિ વધારી.

પગથિયાં ચઢીને બીજે માળે આવેલા ક્લિનિકમાં દાખલ થતાં ત્યાંનું દ્રશ્ય જોઈને હું અચંબામાં પડી ગયો ! જાણે કે મોટો માનવ મહેરામણ ઊમટ્યો હતો. બેસવાની તો વાત દૂર રહી, ઊભા ક્યાં રહેવું તે પ્રશ્ન હતો ! આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા માતાપિતા તેમના બાળકો સાથે કલાકોથી નંબર આવવાની રાહ જોઈને બેઠા હતા. કેટલાક ગરીબ પરિવારો સાવ ચીંથરેહાલ હતા. બીમાર બાળકો રડીને ઘરે જવા માટે જીદ કરી રહ્યા હતા. મધ્યમવર્ગીય પરિવારો પોતાના બાળકોને હાથમાં બિસ્કિટનું પેકેટ પકડાવીને શાંતિથી બેઠા હતા. એટલામાં વારાફરતી નંબર પ્રમાણે દર્દીઓને અંદર મોકલી રહેલા રિસેપ્શનિસ્ટે મને જોઈને પૂછ્યું :
‘એપોઈન્ટમેન્ટ લીધી છે ? કોને બતાવવાનું છે ?’
જવાબમાં મેં મારું કાર્ડ ડૉકટર સાહેબને પહોંચાડવા વિનંતી કરી. ફરી એકવાર હું આસપાસનું દ્રશ્ય જોવામાં ખોવાયો. સુંદર સુવાક્યો લખેલા વૉલપિસ સાથે ‘મનનો માળો, અંતરનો ઉજાસ, હીરાનો ખજાનો, સાયલન્સ પ્લીઝ…’ જેવા એમના પુસ્તકોની યાદી મુકવામાં આવી હતી. બાળકોના તંદુરસ્ત વિકાસ માટેનાં કેટલાક સૂચનો વાંચવાની શરૂઆત કરું ત્યાં તો રિસેપ્શનિસ્ટે આવીને કહ્યું :
‘સાહેબ આપને અંદર બોલાવે છે.’

કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશતાંની સાથે જ ડૉક્ટર સાહેબે ખૂબ પ્રસન્ન ચહેરે ઊભા થઈને મીઠો આવકાર આપ્યો. અત્યંત વ્યસ્ત હોવા છતાં તેમના ચહેરા પર જરાય થાક કે કંટાળો વર્તાતો નહોતો. એમના લેખનમાં અનુભવાતી સહજતા એમના વ્યક્તિત્વમાં દષ્ટિગોચર થઈ રહી હતી. તેઓ એટલી સરળતાથી વાતો કરી રહ્યા હતા કે જાણે આપણે કોઈ આત્મીય સ્વજનને વર્ષો બાદ મળ્યા હોઈએ તેવી લાગણી સહેજેય થઈ આવે. સ્મિત સાથે બાળકોને તપાસતા, વાલીઓને સમજાવતા અને પાસે રહેલા કૉમ્પ્યુટરમાં પ્રિસ્ક્રિપ્શન લખતાં લખતાં તેઓ આનંદપૂર્વક પોતાનું કામ કરી રહ્યા હતાં. આ બધા કામની સાથે સાથે જ અમારો વાર્તાલાપ પણ શરૂ થયો.

પ્રશ્ન : ડૉક્ટર સાહેબ, અહીં બહાર આટલી ભીડ જોઈને મને સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે આપ આટલી વ્યસ્તતા વચ્ચે લખવાનો સમય કેવી રીતે કાઢી શકો છો ?
ઉત્તર : મૃગેશભાઈ, એ માટે મારે તમને મારી દિનચર્યા કહેવી પડશે. મારી સવાર આઠ વાગ્યે પડે. ઊઠીને સ્નાનાદિથી પરવારીને બરાબર નવ વાગ્યે હોસ્પિટલ પહોંચી જઉં. એ પછી સાંજના 5:30 સુધી સતત દર્દીઓને તપાસવાનું ચાલે. સાંજે છ વાગ્યે ઘરે જઈને ડિનર લઉં. ચોવીસ કલાકમાં ફક્ત એક જ વાર હું ભોજન લઉં છું. ફરીથી 6:30-7 વાગ્યે હું હોસ્પિટલ પરત આવું અને તે પછી બાકી રહેલા દર્દીઓને તપાસતાં છેક 11-11:30 થઈ જાય. રાત્રે બાર વાગ્યે ઘરે પહોંચી, સ્નાન કરીને તરત વાંચવા-લખવા બેસી જાઉં. રાતના ત્રણ-સાડાત્રણ સુધી એ બધું કામ ચાલે. ફરી પાછા, બીજા દિવસની સવારે નવ વાગ્યે હોસ્પિટલમાં !

પ્રશ્ન : એનો અર્થ એમ કે અત્યાર સુધીના તમારા તમામ પુસ્તકોનો જન્મ મધ્યરાત્રીએ થયો, ખરું ને ?
ઉત્તર : હા ભાઈ, એકદમ બરાબર. દિવસે એક મિનિટનો પણ સમય કાઢવો મુશ્કેલ થઈ પડે. રોજના 100થી 150 દર્દીઓને તપાસવાના હોય અને દરેકની એપોઈન્ટમેન્ટ અગાઉથી નક્કી થયેલી હોય. આથી, અન્ય કોઈ પ્રવૃત્તિને તો અવકાશ જ ન રહે. હા, બુધવારે અને રવિવારે હોસ્પિટલમાં રજા હોય આથી ઈન્ડોર પેશન્ટની વિઝિટને બાદ કરતાં સારો એવો સમય મળી રહે પરંતુ એ તો પરિવારને ફાળે જાય !

પ્રશ્ન : હવે આપણે આપની સાહિત્યયાત્રા વિશે થોડીક વાત કરીએ. આપને લખવાની પ્રેરણા કેવી રીતે મળી ? અને તેની શરૂઆત કેવા સંજોગોમાં થઈ ?
ઉત્તર : આમ જુઓ તો વાંચન-લેખનનો બાળપણથી જ મને શોખ. શાળાની લાઈબ્રેરી, છાપાંઓ અને પુસ્તકોનું વિશાળ વાંચન અમારે ઘરે પહેલી જ હતું. આ વાચને મારી કલ્પનાના અનેક દ્વાર ખોલી નાખ્યાં. તેનાથી પ્રેરાઈને મેં નવમા ધોરણથી કંઈક કંઈક લખવાની શરૂઆત કરી. દસમા ધોરણમાં ‘કોનો વાંક ?’ નામની પ્રથમ વાર્તા લખી જે 1976ના ‘બોમ્બે જનસત્તા’ અખબારની રવિવારની પૂર્તિમાં પ્રકાશિત થઈ. એ જમાના પ્રમાણે તેને 15 રૂ. જેવડું મોટું પારિતોષિક મળ્યું ! તે પછી જેનું ગત વર્ષે પ્રકાશન થયું એ ‘હીરાનો ખજાનો’ નામની બાળવાર્તાનું આખું પુસ્તક મેં દસમા ધોરણમાં લખીને તૈયાર કરી રાખ્યું હતું જે વીસ વર્ષ સુધી એમ ને એમ જ પડી રહ્યું. એ પછી છાપાઓમાં ક્યારેક પ્રસંગોપાત કંઈક લખવાનું થતું પરંતુ ત્યારબાદ મેડિકલનું ભણતર શરૂ થવાથી ઘણો મોટો અંતરાલ આવ્યો.

પ્રશ્ન : તો ડોક્ટર સાહેબ, એ પછી બીજી ઈનિંગની શરૂઆત ક્યારે અને કેવી રીતે ? એમાંનું પહેલ વહેલું સર્જન કયું ?
ઉત્તર : મેડિકલનો અભ્યાસ, હોસ્પિટલની શરૂઆત અને સામાજિક જીવનની જવાદારીઓમાં વર્ષો નીકળી ગયા. એ પછી દીકરી તર્જીનીનો જન્મ થતાં એને ગમે એવા કેટલાક બાળકાવ્યો લખવાની ઈચ્છા થઈ આવી. આમ તો જોકે હું પહેલાં પણ ક્યારેક કવિતાઓ લખતો; પરંતુ દીકરીના નિમિત્તે છ-સાત બાળકાવ્યો લખીને મેં ફરી લખવાની શરૂઆત કરી. આ કાવ્યો વડોદરાના ડૉ. પુરંદરે આકાશવાણી પર ગાઈ સંભળાવ્યા અને તેને લોકોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો. તેમાંથી પ્રેરણા લઈને ‘ઉંદરભાઈને આંખો આવી’ નામનું બાળ-આરોગ્યલક્ષી કવિતાઓનું પહેલું પુસ્તક બન્યું. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 2004માં ‘શ્રેષ્ઠ બાળ-આરોગ્યલક્ષી કાવ્ય’નો પુરસ્કાર મળ્યો. ‘બાળકાવ્યો’ના પુસ્તક આપણા સાહિત્યમાં અનેક છે, પરંતુ તેમાં આરોગ્યની વાત વણી લેવાઈ હોય તેવું આ એક માત્ર પુસ્તક છે. એ પછી, 500પાનાનું બૃહદ ‘બાળ આરોગ્યશાસ્ત્ર’ લખ્યું. બાળકના જન્મથી લઈને 15 વર્ષ સુધી તેના આરોગ્યના દરેકે દરેક પાસાને આવરી લેતું ગુજરાતી ભાષાનું આ એક માત્ર પુસ્તક બન્યું.

પ્રશ્ન : આપના કાવ્ય અને આરોગ્યલક્ષી પુસ્તકોની વાત જાણીને આપના સર્જનનું એક નવું પાસું જાણવા મળ્યું. પરંતુ પ્રશ્ન એ થાય છે ડોકટર સાહેબ કે, આ પદ્યમાંથી ગદ્ય તરફ અને શારીરિક આરોગ્યમાંથી માનસિક આરોગ્ય તરફ આપની કલમે અચાનક કેવી રીતે વળાંક લીધો ?
ઉત્તર : એની વાત એકદમ રસપ્રદ છે મૃગેશભાઈ. એમાં થયું એવું કે એ જમાનામાં ભાવનગર ખાતે સૌપ્રથમ ઈન્ટરનેટ કનેકશન લેનારા અમે ફક્ત ચાર મિત્રો હતા. એ સમયે બીજા કોઈને ત્યાં ઈન્ટરનેટની સુવિધા નહોતી. વળી, અમારે તો ‘ડાયલ-અપ’ કનેકશન પણ એસ.ટી.ડી. કોડ લગાડીને જોડવું પડતું. તમને સાંભળીને હસવું આવશે કે એક કલાકના રૂ. 1500 લેખે અમે 100 કલાકના રૂ. 15,000 ચૂકવ્યા હતાં ! વાંચનના તો અમે વ્યસની હતા જ, એટલે નવી નવી સાઈટો શોધીને અંગ્રેજી સાહિત્યની મજા માણતા. એ પછી દેશ-વિદેશના મિત્રોને સુંદર વિચારો ઈ-મેઈલ દ્વારા ફોર્વર્ડ કરતાં અને તેમની પાસેથી પણ અમને એવી સુંદર લઘુકથાઓ ઈ-મેઈલ મારફતે મળતી કે જે વાંચીને અમારું હૈયું ભરાઈ જતું. માણસના જીવનમાં પૉઝિટિવ વિચારોને ઉત્તેજન મળે એવી આ સુંદર બોધકથાઓ વાંચીને મને થતું કે આ બધું જેમને ઈન્ટરનેટ નથી એવા આપણા સગાં-સ્નેહીઓ અને મિત્રોને વાંચવા મળે તો કેવું સારું !

અંતે મેં થોડીક લઘુકથાઓનો અનુવાદ કરીને પત્નીને વાંચી સંભળાવી. એને આ વિચાર બહુ ગમ્યો. અમે બંનેએ આવી થોડીક વાર્તાઓ અનુવાદ કરીને તેની ઝેરોક્ષ મિત્રો-પરિચિતોમાં વહેંચવાનું વિચાર્યું. સમય વીતતાં અમારી પાસે એટલી બધી વાર્તાઓ ભેગી થઈ કે અમે તેને એક પુસ્તક સ્વરૂપે છપાવવાનો વિચાર કર્યો. મેં ‘ઈમેજ પ્રકાશન’નો સંપર્ક કર્યો કે અમારે મિત્રોને ભેટ આપવા એક પુસ્તકની 100કોપી છપાવવી છે; પરંતુ એમણે કહ્યું કે પ્રેસમાં 750 કોપીથી ઓછી છાપી ન શકાય. અમને થયું કે હવે શું કરીએ ? મિત્રો અને સગાં-સ્નેહીઓનું લીસ્ટ વધારેમાં વધારે ગણીએ તો પણ 150થી તો ન જ વધે ! બાકીની કોપીઓનું કરવું શું ? છેવટે અમે વિચાર્યું કે જે થાય તે. આવું સુંદર સાહિત્ય આપણે મિત્રો સુધી પહોંચાડવું જ છે તો પછી શા માટે પીછેહટ કરવી ? જેટલાં પુસ્તકો પરિચિતોમાં અપાય એટલા મફત આપીશું અને બાકીનાં પુસ્તકો કોઈ ચણા-મમરાવાળાની રેંકડીમાં આપી દઈશું જેથી પડીકામાં છપાયેલું ક્યારેક કોઈક તો વાંચશે ! ‘મોતીચારો’ નામ આપીને અમે તે પ્રેસમાં આપ્યું.

પણ વાસ્તવમાં બન્યું ઊલટું ! માત્ર 10 જ દિવસમાં એ પુસ્તક એટલું બધું પ્રસિદ્ધિ પામ્યું કે તેની તાત્કાલિક સાડા ત્રણ હજાર નકલો છાપવી પડી. ત્યાર બાદ તેની આવૃત્તિ સતત થતી રહી. આજ સુધીમાં ‘મોતીચારો’ની ત્રીસ હજારથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. ‘મોતીચારો’ની સફળતા બાદ થોડોક સમય વીત્યો. એ અરસામાં ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. કેટલાય લોકોના ઘરબાર અને દુકાનો લૂંટાયા, નિર્દોષ લોકો રોષનો ભોગ બન્યા. લોકોમાં ડિપ્રેશન વધ્યું. આથી, મને થયું કે આ સમયે કેટલાક ચૂંટેલા જીવનપ્રેરક પ્રસંગો અનુવાદિત થઈને તૈયાર પડ્યા છે તો તેનું એક બીજું પુસ્તક બનાવવું જોઈએ. ….અને આમ ‘મનનો માળો’ (મોતીચારો-2) સ્વરૂપે બીજું પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તકને પણ અગાઉની જેટલો જ લોકોનો પ્રતિસાદ મળ્યો. એ ક્રમમાં પછી હમણાં ‘અંતરનો ઉજાસ’ પુસ્તક ‘મોતીચારો :ભાગ-3’ રૂપે લોકચાહના પામી રહ્યું છે. આ તમામ અનુવાદિત પ્રસંગો લેતી વખતે મેં એ બાબત વિશેષ ખ્યાલમાં રાખી છે કે આ પ્રસંગો હકારાત્મક અભિગમનો સંદેશો આપે તેવા જ હોવા જોઈએ. ત્યારબાદ બાળકો માટે ‘હીરાનો ખજાનો’ લખાયું અને તે પછી ઈજિપ્ત અલ-અમર્નાની રોમાંચક સાહસકથા ‘સાથીદારની શોધમાં’ લખાયું.

પ્રશ્ન : ઈન્ટરનેટ પરની અનુવાદિત પુસ્તકોની શ્રેણી ઉપરાંત આપના જીવન પ્રસંગો પર આધારિત ‘સાયલન્સ પ્લીઝ’ અને ‘સમયને સથવારે’ પણ વાચકોમાં એટલા જ લોકપ્રિય રહ્યાં છે. આ પુસ્તકો વિશે આપ કંઈક કહેશો ?
ઉત્તર : હા. આ બંને પુસ્તકો મારા જીવનના સંઘર્ષકાળની ઘટનાઓ, તબીબી જીવનના અનુભવો વગેરેનો સમાવેશ કરે છે. ફોર્વર્ડેડ ઈ-મેઈલમાં મળતી નાનકડી લઘુકથાઓનો અનુવાદ કરતાં કરતાં મને થયું કે મારા જીવનમાં પણ આવી કેટલીક ઘટનાઓ બનેલી છે, તો શા માટે એને પણ વાચકો સાથે ન વહેંચીએ ? આપણા જીવનની કોઈ બાબત ક્યારેક કોઈ બીજાને પણ ખપમાં આવી શકે. આમ વિચાર કરતાં ‘સાયલન્સ પ્લીઝ’ તૈયાર થયું અને પછી એ જ રીતે કેટલાક અન્ય પ્રસંગોનો સમાવેશ કરીને ‘સમયને સથવારે’ પણ લખાયું.

પ્રશ્ન : ડૉક્ટર સાહેબ, આપના તમામ પુસ્તકો અપ્રતિમ લોકચાહના પામ્યા છે. વિશ્વમાં વસતા અનેક ગુજરાતીઓએ તેને મન ભરીને માણ્યા છે. આથી સ્વાભાવિક છે કે આપને સેંકડોની સંખ્યામાં તેના પ્રતિભાવો મળ્યા જ હશે. આ પ્રતિભાવોમાંથી જે આપના અંતરને ખૂબ સ્પર્શ્યા હોય તેવા કેટલાક પ્રસંગો આપ કહેશો ?
ઉત્તર : જરૂર મૃગેશભાઈ. મને ચાર મોટી બૉક્સ ફાઈલ ભરાય તેટલા પત્રો પ્રાપ્ત થયા છે. આ અદ્દભુત લોકચાહના જોઈને મને લાગ્યું કે દરેક વ્યક્તિમાં પૉઝિટિવ વાંચનની ભૂખ તો છે જ. સવાલ એવું વાંચન ક્યાંથી મેળવવું તેનો રહે છે. હું આપને કેટલાક પ્રસંગો કહીશ કે જે મારા માટે ખૂબ જ યાદગાર બની રહ્યા છે.

સૌથી પહેલું પુસ્તક ‘મોતીચારો’ લખાયું. એના પ્રકાશન બાદ થોડા દિવસો પછી મારી પર એક ભાઈનો કાગળ આવ્યો. એમણે લખ્યું હતું કે ‘અમે સ્ટીલનો ઑર્ડર લેવા માટે એક પેઢીનો ઘણા વર્ષોથી સંપર્ક કરી રહ્યા હતા. પણ એ લોકો કંઈ બહુ દાદ નહોતા આપતાં. એક દિવસ અમે વ્યાવસાયિક મિત્રતાને નાતે એમને ‘મોતીચારો’ પુસ્તક ભેટ મોકલ્યું. એ જ દિવસે સાંજે તે પેઢીના સંચાલક ભાઈનો અમારી પર ફોન આવ્યો કે અમે તમને રૂ. 10 લાખનો સ્ટીલ ઑર્ડર આપીએ છીએ; પરંતુ શરત એટલી કે તમે સ્ટીલ પછી મોકલજો, પહેલાં ‘મોતીચારો’ની પાંચ કોપી મોકલી આપો !’ એક પુસ્તક માનવીને માનવી સાથે જોડવામાં સફળ થાય એનાથી રૂડું બીજું શું હોઈ શકે ? બીજો એક પ્રસંગ છે ‘સાયલન્સ પ્લીઝ’ પુસ્તકના સંદર્ભમાં. અમદાવાદમાં એક છોકરો બારમા ધોરણમાં નપાસ થવાથી ભણવાનું છોડી દેવાનું વિચારી રહ્યો હતો. એના હાથમાં આ પુસ્તક આવ્યું. એણે જોયું કે આ લેખકને બારમાની પરીક્ષામાં જો આટલી બધી તકલીફ પડી હોય તો એની સરખામણીમાં મારી પાસે તો એના કરતાં અનેક સુખસગવડો છે. મારે નિરુત્સાહ થઈને ભણવાનું છોડવાની શી જરૂર ? એ પછી એણે બરાબર મહેનત શરૂ કરી. ભણી-ગણીને ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં આગળ વધ્યો અને હમણાં થોડા સમય અગાઉ વધુ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ ગયો. જતાં પહેલાં એ મને મળવા આવ્યો કે ‘સાહેબ, આ બધું તમારા લીધે છે. એ પુસ્તકે જો મને બચાવ્યો ન હોત તો હું સાચે જ ડગી ગયો હોત.’ એક પુસ્તક વ્યક્તિના જીવનમાં આટલી હદે ઉપયોગી થઈ શકે એની તો મને કલ્પના જ નહોતી ! સાચે જ, આ પ્રસંગે મને રોમાંચિત કરી મૂક્યો.

‘મોતીચારો’ પુસ્તકના સંદર્ભમાં મને એક બીજો પ્રસંગ યાદ આવે છે. પુસ્તકને પ્રકાશિત થયે લગભગ ચારેક મહિના થયા હશે. રવિવારનો એ દિવસ હતો. ઓ.પી.ડી. તો ચાલુ નહોતું પણ હું મારા સ્ટાફ સાથે અન્ય નાના-મોટા કામકાજ બાબતે ચર્ચા કરી રહ્યો હતો. એવામાં એક સુટેડ-બુટેડ કોઈ સારા ઘરનો અપટુડેટ માણસ આવ્યો. એમણે મને પૂછ્યું કે ‘મારે તમારો થોડો સમય જોઈએ છે, હું વાત કરી શકું ?’ મેં કહ્યું : હા, જરૂર. આજે થોડો સમય છે, આપ આરામથી બેસો… એમણે પોતાની વાત શરૂ કરી. એમણે કહ્યું કે ‘હું કયા ગામનો કે શહેરનો છું એ તમને નહીં કહું, મારું નામ પણ આપને નહી કહું. આપ ફક્ત મારી વાત સાંભળો. મારી પાસે કરોડો રૂપિયા છે. મને હાર્ટની બીમારી છે. મારી આગળ-પાછળ કોઈ નથી. સગાં-વહાલાં મને એમ નથી પૂછતાં કે તમારી તબિયત કેમ છે ? એ તો એમ જ પૂછ્યા કરે છે કે તમારી સંપત્તિનું તમે શું કરશો ? – આ બધા રોજના ત્રાસથી કંટાળીને મેં આત્મહત્યા કરવાનું વિચાર્યું. થોડા કલાકો પછી હું જીવન ટૂંકાવવાની તૈયારી કરી રહ્યો હતો એવામાં મેં જોયું કે મારી સેક્રેટરી ટેબલ પર બેસીને તલ્લીન થઈને કંઈક વાંચી રહી હતી. મેં પૂછ્યું કે તું શું વાંચે છે ? જવાબમાં એણે તમારું ‘મોતીચારો’ પુસ્તક મને આપ્યું અને સમય થતાં એ ઘરે જવા નીકળી. પુસ્તકના એક-બે લેખ વાંચતા મને બહુ રસ પડ્યો અને પછી તો આખી રાત વાંચીને હું ખૂબ રડ્યો. બસ, આ બીજા દિવસની સવાર પડતાં તમને મળવા દોડી આવ્યો.’ …એ ભાઈએ પોતાની વાત પૂરી કરી અને મારો હાથ પકડીને રડવા માંડ્યા. અડધો કલાક સુધી એ ખૂબ રડ્યા અને અમને પણ રડાવ્યા. મારી સાથે ઊભેલા સ્ટાફના આંખમાંથી પણ આંસુ સરી પડ્યા. જતાં જતાં એ ભાઈએ કહ્યું કે ‘હું હવે સરસ રીતે જીવન જીવીશ અને એવું જીવીશ કે જે બીજા માટે દાખલારૂપ હોય. જીવન કંઈ વેડફી નાખવાની વસ્તુ નથી – એ વાત આજે મને બરાબર સમજાઈ છે.’ એક લેખક માટે આનાથી વધારે મોટો આત્મસંતોષ કયો હોઈ શકે ?

આવો જ એક પ્રસંગ ભાવનગર પાસે રહેતા એક બહેનનો છે. એ પણ અહીં મને મળવા આવ્યા હતા. તેઓ સ્કૂલમાં શિક્ષિકા છે. પરંતુ જીવનના ચઢાવ-ઉતરાવ, પતિનું અવસાન અને અનેક સમસ્યાઓથી તેમનું જીવન નિરાશાથી ઘેરાઈ ગયું હતું. આ નિરાશા એટલી હદે આગળ વધી હતી કે તેઓએ એક દિવસ આપઘાત કરવાનું નક્કી કરી લીધું. બરાબર એ જ દિવસે સવારે સ્કૂલની લાઈબ્રેરીમાં આ પુસ્તકો આવ્યાં અને વાંચીને એમનું એટલું બધું હૃદયપરિવર્તન થયું કે આપઘાત કરવાને બદલે તેઓ પોતાની આસાપાસ રહેતા દુ:ખી લોકોને આવા સારા લેખો વંચાવીને જીવનનું ભાથું બાધી આપવાનું નૂતન કાર્ય ઉપાડ્યું. એક પુસ્તક ધારે તો શું ન કરી શકે ? આવા તો કંઈ કેટલાય કિસ્સાઓએ મારા હૃદયને આનંદ, સંતોષ, અને પ્રસન્નતાથી ભરી દીધું છે. ખરેખર, મેં જીવનમાં એનાથી ખૂબ ધન્યતા અનુભવી છે. ઈશ્વરે બહુ કરુણા વરસાવી છે. જીવન આ અનુભવોની વહેંચણીથી જીવવા જેવું લાગ્યું છે; આથી જ મને ક્યારેય કામનો થાક નથી લાગ્યો.

પ્રશ્ન : ખરેખર સાહેબ, આપના અનુભવો એ તો મારી આંખ પણ ભીંજવી દીધી. આપની આ સર્જનયાત્રામાં આપના પરિવારના યોગદાન વિશે કંઈક કહેશો ? તેમનો પરિચય કરાવશો ?
ઉત્તર : હું તો સ્પષ્ટ માનું છું કે પત્ની કૃતિકાના સહકાર વગર મારું લેખનનું આ કામ આગળ જ ન વધી શક્યું હોત. દરેક અનુવાદોને જોવા, વાંચવા, સાથે બેસીને તે વિષય બાબતે ચર્ચા કરવી વગેરે અમારો રોજિંદો ક્રમ બની ગયો હતો. મારા માટે તે પત્ની કરતાં મિત્ર વધારે છે. વ્યવસાયે તે ઉચ્ચમાધ્યમિક સ્કૂલમાં સાયકોલોજીની શિક્ષિકા છે અને સુપ્રસિદ્ધ ગુજરાતી બાળમાસિક ‘બાલમૂર્તિ’ના સંપાદક શ્રી પ્રવીણભાઈ શાહની સુપુત્રી છે. મારી દીકરીનું નામ તર્જીની છે, નવમા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે પણ કાવ્યો અને વાર્તાઓ લખે છે. ઘરમાં અમે સૌ હોસ્ટેલમાં રહેતા મિત્રોની જેમ હળીમળીને રહીએ છીએ. કુટુંબમાં અમે બે ભાઈઓ અને ત્રણ બહેનો છીએ. મોટા બહેનનું નામ રોશનબેન છે. તેઓ હાલમાં નિવૃત્ત શિક્ષિકા છે પરંતુ એમણે અમને સૌને ભણાવવા માટે લગ્ન નથી કર્યા. વચ્ચેના નાના બહેનનું નામ શરીફા છે જે સુરતમાં છે અને સૌથી નાનાબેન હાઉસવાઈફ છે. મારો મોટો ભાઈ જીથરી હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ છે આથી તે માતાપિતા સાથે જીથરીમાં રહે છે. મારા બાપુજી ન્યુઝપેપર વેચતા અને મેં પણ એમ.બી.બી.એસ. સુધી છાપાં વેચવાનું કામ કર્યું છે. માતા ગૃહિણી છે.

પ્રશ્ન : સાહેબ, આપને આ રોજિંદા કામકાજમાંથી બહાર નીકળીને ક્યાંક ફરવા જવાનું મન પણ થતું હશે ને ? નવરાશની પળોમાં આપ ક્યાં જવાનું પસંદ કરો છો?
ઉત્તર : સાચી વાત કહું તો નવરાશની પળો મળતી જ નથી. કારણ કે અમારે 20 થી 25 દિવસની એપોઈન્ટમેન્ટો અગાઉથી નક્કી થઈ જાય છે. જેમ કે સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં છેક ઓક્ટોબરની દિવાળી સુધીની એપોઈન્ટમેન્ટો નક્કી થઈ ચૂકી છે. આથી વચ્ચે રજા લેવાનો સવાલ ઊભો નથી થતો. દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા શ્રમિક લોકોને નિરાશ કરવાનું મારા દિલને રુચે નહીં. એ લોકો કલાકોની મુસાફરી કરીને અહીં આવતા હોય અને ત્યારબાદ કેટલાય કલાકો પછી એમનો નંબર લાગતો હોય ત્યારે એમના પ્રતિ મારે વિશેષ ધ્યાન આપવું એ મારી પહેલી ફરજ બની રહે છે. આ કારણથી જ હું કોઈ સાહિત્યના કાર્યક્રમમાં નથી જઈ શકતો. હા, કોઈક વાર નજીકના વિસ્તારમાં કોઈ પ્રસંગે બે શબ્દો બોલવા જવાનું હોય તો પાંચ-પંદર મિનિટ કાઢી લઉં… પરંતુ એક આખો દિવસ કાઢવો અશક્ય બની જાય છે. આખા વર્ષમાં મારું વેકેશન ફક્ત પંદર દિવસ ! આઠ-દસ દિવસ દિવાળીમાં અને છ-સાત દિવસનું ઉનાળાનું વેકેશન. બસ, એટલામાં જ મનગમતી પ્રવૃત્તિઓનો આનંદ માણી લઉં છું.

પ્રશ્ન : વાચનમાં આપને ગમતો પ્રકાર કયો ? આપના પ્રિય લેખક અને કવિ વિશે જણાવશો ?
ઉત્તર : આમ તો મને બધું જ વાંચવું ગમે. ફિક્શનથી લઈને વર્લ્ડ હિસ્ટરી સુધી બધું જ. ક્રિકેટથી લઈને કોમ્પ્યુટર સુધીના બધા વિષયોમાં નવું નવું જાણવાનો શોખ. તેથી કયો પ્રકાર વધારે ગમે તે નક્કી કરવું મુશ્કેલ છે પણ સામાન્યત: બધું જ જાણવું ગમે. મારા પ્રિય લેખક પન્નાલાલ પટેલ. એનું કારણ એ કે મને સાતમા ધોરણમાં તેમનું ‘માનવીની ભવાઈ’ પુસ્તક ભેટ મળ્યું હતું. નાનપણમાં વાંચેલા એ પુસ્તકનો મારા મન પર ખૂબ પ્રભાવ પડ્યો અને એ મારા પ્રિય લેખક બની ગયા. કવિઓમાં બધા જ કવિઓની રચના વાંચવી ગમે; પરંતુ એ સૌ કોઈમાં જો થોડું ચઢિયાતું નક્કી કરવું હોય તો મને ‘રમેશ પારેખ’ વધારે ગમે.

પ્રશ્ન : હાલમાં આપ કંઈ નવું લખી રહ્યા છો ? અથવા નજીકના ભવિષ્યમાં આપનું કોઈ પુસ્તક પ્રકાશિત થવાનું હોય તો તેની માહિતી આપશો.
ઉત્તર : ‘મોતીચારો’ ભાગ-4; જે ‘અમૃતનો ઓડકાર’ નામે લખાઈ રહ્યું છે. ટૂંક સમયમાં તે પ્રેસમાં જશે.

પ્રશ્ન : ડોક્ટર સાહેબ, આપે આપનો કિંમતી સમય આપીને મારી સાથે આપના અનુભવો વહેંચ્યા એ માટે આપનો આભાર માનવા માટે ‘આભાર’ શબ્દ નાનો પડે. છેલ્લે, એક વાત કહેવાની કે આપના પુસ્તકોના વિશ્વવ્યાપી ચાહકો માટે આપનો શું સંદેશ છે ?
ઉત્તર : બસ, એટલું જ કે જિંદગી ખૂબ અદ્દભુત છે. પૉઝિટિવ રહીને વિચારીએ તો જીવન કોઈ દિવસ નિરાશા આપતું નથી. હકારાત્મક અભિગમ અપનાવો અને આગળ વધો. જીવનના કઠિન પ્રસંગોમાં એક માત્ર ઈશ્વર જ પ્રેરક બળ બની રહે છે. તે વૈશ્વિક શક્તિ છે. આ કોઈ ધર્મની વાત નથી, પરંતુ એક પરમ શક્તિની આ વાત છે. એને તમે ગમે તે નામથી બોલાવી શકો. એણે હંમેશા મારી મદદ કરી છે, તમારી પણ કરશે જ. હિંમત રાખો, કારણકે હજુ આપણે ઘણે દૂર સુધી પહોંચવાનું છે.
******

આજના સમયમાં આપણને ઘણી વાર ઈચ્છા થાય છે કે કંઈક ક્રિએટિવ કે સર્જનાત્મક કામ કરવું છે પરંતુ નોકરી-વ્યવસાયમાંથી સમય મળતો નથી. તબલાં શીખવા છે, કથક ની તાલીમ લેવી છે, વાર્તા લખવી છે પણ સમય ક્યાં છે ? ઉત્સાહના એ બીજને કામના બોજ તળે સૂકવીને નષ્ટ ન કરતાં તેનો કેવી રીતે વિકાસ કરવો તેનો બોધ આપણને ડૉકટર સાહેબના જીવનમાંથી મળે છે. જેને ખરેખર કંઈક કરવું છે; કરવાની અદમ્ય ઈચ્છા છે, તેને સઘળી અનુકૂળતા આપોઆપ મળી જ રહે છે. ડૉક્ટર સાહેબના વ્યક્તિત્વના બીજા અનેક પાસાઓ છે. અમુક ઉંમર પછી ‘આયુર્વેદ’નો અભ્યાસ શરૂ કરી શકાય એ માટે તેમણે ગત વર્ષે સંસ્કૃત વિષયની બારમા ધોરણની પરીક્ષા 84 ટકા માર્ક્સ સાથે પાસ કરી છે. માત્ર આટલું જ નહિ, તેઓએ હમણાં થોડા દિવસ પહેલાં આંબેડેકર ઓપન યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટરના CCC કોર્ષની પરીક્ષા ડિસ્ટિંકશન સાથે પાસ કરી છે. HTML અને Visual Basic Programmingનું તેઓ ખૂબ સારું જ્ઞાન ધરાવે છે. આટલા બધા કામ સાથે અભ્યાસ, લેખન, વાંચન, કોમ્પ્યુટર, પ્રોગ્રામિંગ અને સામાજિક જવાબદારી એક સાથે કેમ કરીને નીભાવી શકાતી હશે ? તેવો પ્રશ્ન આપણને સૌને થાય. પરંતુ, કહેવાય છે ને કે ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી….’

[ સંપર્ક : ડૉ. આઈ.કે. વીજળીવાળા. ‘ડોક્ટર્સ હાઉસ’, કાળાનાળા, ભાવનગર-364 001. ગુજરાત. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : ઈ-મેઈલ : drikv@yahoo.com ]

No comments: